ઝેરનાં પારખાં ન હોય તેમ પ્રેમનાં પણ પારખાં ન લેવાય, તે તો વિશ્વાસ પર ટકે (પાનખરમાં વસંત) “હુંવિચારતી હતી કે તારામાં અક્કલ ક્યારે આવશે?” રામ્યાએ શરૂ કર્યું. “કેમ? કોલેજમાં દર વર્ષે મારો પહેલો નંબર એમ ને એમ જ આવે છે?” “પણ કોઈ યુવતીને પ્રેમ કરવામાં તારો નંબર છેલ્લો આવે છે તેની તને ખબર છે?” “ના, પણ મને એ તો કહે કે મારે કોને પ્રેમ કરવાનો છે.” અતીતે સહેજ હોઠ મલકાવીને પૂછયું. “તને એટલી તો ખબર છે ને કે તારે મને પ્રેમ કરવાનો છે?” “મારે છૂટકો છે? તારી સાથે બે વર્ષથી રખડું છું અને તું મને છોડતી નથી એટલે મારે તો તારી સાથે જ લગ્ન કરવાં પડશે.” અતીત ગંભીર પ્રકૃતિનો હતો અને અભ્યાસ ઉપરાંત તેને બીજા કશામાં રસ ન હતો. હા, તે રામ્યાને પ્રેમ કરતો હતો. બહુ જ પ્રેમ કરતો હતો અને તેને સતાવવાની મઝા આવતી હતી. તેને બીજો કોઈ મિત્ર પણ ન હતો. ત્યારે રામ્યા એક બિન્દાસ યુવતી હતી. તેને અનેક યુવકો સાથે મિત્રતા હતી. કોઈક વખત મિત્રો સાથે પિક્ચર જોવા પણ જતી. તે જ્યારે આ બધી વાતો અતીતને કરતી તો તેને થતું કે અતીત ગુસ્સે થશે, પણ અતીત કોઈ કોમેન્ટ કરતો નહીં. બહુ બહુ તો કોઈક વખત પૂછતો કે તને મઝા આવી? અને તે સાથે રામ્યા ગુસ્સે થઈ જતી. તે વિચારતી કે કેવો યુવક છે આ અતીત. તેની ગર્લફેન્ડ બીજા સાથે આવી રીતે ફરે છે અને તેને કંઈ થતું નથી. અને એટલે જ તેને શંકા જતી કે અતીત ખરેખર તેને પ્રેમ કરે છે કે ફક્ત તેની સાથે ફરવા ખાતર ફરે છે. થોડા દિવસ પછી તેણે એક પેપરમાં વાંચ્યું કે બે પ્રેમીઓએ ઝેર ખાઈને આત્મહત્યા કરી અને તે સાથે તેને એક વિચાર આવ્યો. શું અતીતને હું કહું કે ચાલ આપણે બે આત્મહત્યા કરીએ તો તે કરે? પણ જે યુગલે આત્મહત્યા કરી હતી તેઓના ઘરમાંથી તેઓને લગ્નની ના પાડવામાં આવી હતી અને બન્નેની જ્ઞાતિ અલગ હતી, જ્યારે અહીં તો હજુ તેણે અતીતને પૂછયું પણ ન હતું કે તે એને પ્રેમ કરે છે કે નહીં, ત્યાં લગ્ન માટે ના પાડવાની વાત તો માઈલો દૂર હતી. તો પછી હવે શું કરવું? રામ્યાને સમજ પડતી ન હતી કે અતીતને કેવી રીતે પૂછવું. તે વિચારતી રહી. તેના મગજમાંથી પેલા યુગલે કરેલી આત્મહત્યાનો વિચાર ખસતો ન હતો. તેણે પણ હજુ મરી જવું ન હતું. તેને તો જિંદગી જીવવી હતી, માણવી હતી અને તે પણ અતીત સાથે. “અતીત, તું મને પ્રેમ કરે છે?” “રામ્યા, રામી, આ પ્રશ્ન તેં મને સેંકડો વાર પૂછયો છે અને મેં તેનો ઉત્તર પણ આપ્યો છે તો પછી તું મને કેમ વારંવાર આ પ્રશ્ન પૂછયા કરે છે? તને મારામાં વિશ્વાસ નથી? જો અત્યારે હું ના પાડું તો તું શું કરે?” “હું શું કરું?” રામ્યા વિચારમાં પડી ગઈ. “મને ખબર છે કે તું આત્મહત્યા તો ન કરે.” “અને કદાચ કરું તો?” “તારામાં એટલી હિંમત જ નથી.” “અને ધારો કે કરું તો, તું શું કરે? બીજી યુવતી સાથે મિત્રતા કરે?” રામ્યાએ હોઠને વળાંક આપીને મલકતાં પૂછયું. “કદાચ કરું પણ ખરો” “ગપ્પાં મારે છે…” રામ્યાએ કહ્યું. “રામ્યા, આજે તારો વિચાર શું છે?” “મારે હવે જીવવું નથી અને મરી જવું છે અને તે પણ તારી સાથે.” “એટલે?” “એટલે મેં જે કહ્યું તે.” અતીતે જોયું કે આજે રામ્યા મસ્તીના મૂડમાં છે અને તેણે ફક્ત તેને હેરાન જ કરવો છે. “ભલે” “શું ભલે?” “તારી સાથે આત્મહત્યા કરવા તૈયાર છું, પણ તારે કેવી રીતે કરવી છે. રેલવેના પાટા પર કૂદીને કે કોઈ પર્વત પરથી ભૂસકો મારીને, જેવી રીતે પેલા પિક્ચર ‘એક દુજે કે લીયે’ તેઓ ભૂસકો મારે છે.” “તે હું નક્કી કરીશ” રામ્યાએ હસતાં હસતાં કહ્યું. અતીતને તો એમ જ હતું કે રામ્યાની આ વાત આજની મશ્કરી હતી. તે લાઇબ્રેરીમાં ગયો અને વાંચવામાં મન પરોવ્યું. બે દિવસ પછી રામ્યાએ કહ્યું, “અતીત, આજે આપણે આત્મહત્યા કરીએ” “પણ આજે કેમ? એક કલાક પછી મારો ટેસ્ટ છે અને તે અગત્યનો છે.” “ના, આજે જ. મેં મુહૂર્ત જોવડાવ્યું છે અને અત્યારે આપણે આત્મહત્યા કરીશું તો આગલા બધા ભવો સુધી આપણે સાથે રહીશું.” “પણ મને આ ભવ તારી સાથે કેવો જાય છે તે તો જોવા દે.” “નથિંગ ડુઇંગ, આજે અને અત્યારે” રામ્યાએ પર્સમાંથી બે બોટલ કાઢી. બન્નેમાં કોઈ પ્રવાહી હતું. “આ એક બોટલ તારા માટે અને બીજી મારા માટે. પહેલાં તારે લેવાનું અને પછી તરત હું લઈશ.” અતીત રામ્યા સામે જોઈ રહ્યો.શું રામ્યા કોઈ રમત રમતી હતી કે પછી ગાંડી થઈ ગઈ હતી. તેણે રામ્યાના હાથમાંથી એક બોટલ લીધી અને તે સમયે રામ્યાના ચહેરાનું અવલોકન કર્યું.. અને તે બોટલનું પ્રવાહી પી ગયો. તરત રામ્યાએ પણ પીધું અને હસવા લાગી પણ તેનું હસવું લાંબું ટક્યું નહીં. અતીત ધબ લઈને નીચે પડી ગયો હતો અને તેના મોઢામાંથી ફીણ નીકળતું હતું. હવે રામ્યા ગભરાઈ અને તેણે ચીસ પાડી. બધાં ભેગાં થઈ ગયાં. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. “શું થયું છે?” ડોક્ટરે પૂછયું. “ઝેર પી લીધું છે.” રામ્યાએ કહ્યું અને મેં જ આપ્યું હતું. “તમે? કેમ?” “તે પછી કહીશ, પહેલાં મારા અતીતની સારવાર કરો.” અને તે સાથે અતીત ઊભો થયો. “ડોક્ટર, માફ કરજો, તમને હેરાન કર્યા, મને કંઈ થયું નથી” અને બધાં પાછાં કોલેજમાં આવ્યાં. “અતીત, આવી મશ્કરી?” રામ્યાએ ગુસ્સાથી કહ્યું. “તેં શરૂઆત કરી હતી, મને હતું તેં સાચે જ ઝેર આપ્યું હતું અને મારે મરવું ન હતું એટલે તારી નજર સહેજ ફરી કે મેં તે પ્રવાહી ઢોળી દીધું હતું અને તેં જ્યારે મારી તરફ જોયું ત્યારે હું પ્રવાહી પી રહ્યો છું તેવું વર્તન કર્યું, પછી જ્યારે તેં પ્રવાહી પીધું અને હસવા લાગી ત્યારે મને થયું કે આ એક મશ્કરી હતી અને મેં તને ગભરાવવા માટે આમ કર્યું.” “અતીત, સોરી, મને માફ કર, ફરીથી આવું નહીં કરું” “રામી, એમ ઝેરનાં પારખાં ન હોય તેમ પ્રેમનાં પણ પારખાં ન લેવાય. તે તો વિશ્વાસ પર ટકે છે. એક કવિએ કહ્યું છે અને તેની વાત સાચી છે, તમારા પ્રેમને છૂટો મૂકી દો. જો એ તમારો હશે તો પાછો આવશે, નહીં તો તે તમારો હતો જ નહીં. રામ્યા અતીતને બાઝી પડી. તે રડતી હતી. અતીત તેની પીઠ પર હાથ ફેરવતો રહ્યો.