RSS

સત્ય ઘટનાના આધારે

27 Sep
પપ્પા ના પાડશે તો હું શું કરીશ! ભલેને ગમે તે થાય, પણ હું પ્રેયસનો સાથ ક્યારેય નહીં છોડું.
પ્રત્યુષાને રોજ રાત્રે અંગત ડાયરી લખવાની ટેવ હતી. અઢાર વર્ષની કોલેજકન્યાની દિનચર્યામાં એવી તે કેવી રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતી ઘટનાઓ બનતી હોય! એટલે પ્રત્યુષાની રોજનીશીનાં પાનાઓમાં આવું-આવું વાચવા મળી શકે- ‘આજે પિનલ નવો ડ્રેસ પહેરીને કોલેજમાં આવી હતી. એને એના પપ્પાના પૈસાનું બહુ અભિમાન છે. ડ્રેસ સુંદર હતો.
કલાસની બધી છોકરીઓએ એનાં વખાણ કર્યા, પણ મેં તો એની સામે જોયું જ નહીં. પૈસાદાર હોય તો એના ઘરની! મારે કેટલા ટકા? શું જગત આવા અભિમાની લોકોથી ભરેલું હશે?’ ક્યારેક કેન્ટીનમાં ચાસાથે સમોસા ખાધા એની વાત હોય, પણ આજે પહેલીવાર કંઇક અનોખી ઘટના બની ગઇ. અઢારમા વરસના ઉંબર પર ઊભેલી આ રૂપયૌવનાને આજે એક કોલેજિયન યુવાને પ્રથમ વાર એ વાતનો અણસાર આપ્યો કે પ્રત્યુષા બીજી છોકરીઓ કરતાં અધિક સુંદર છે.
‘એક્સકયુઝ મી, પ્રત્યુષા!’ એની બાજુના કલાસમાં ભણતા એક યુવાને એને સાવ અચાનક આ રીતે રોકીને વાત કરવાની અનુમતિ માગી. કોલેજ ચાલુ થવાને હજુ થોડીક વાર હતી. છોકરા-છોકરીઓની અવર-જવર ચાલુ હતી. જગ્યા પણ એકાંતવાળી કે ખાનગી ન હતી. તેમ છતાં પ્રત્યુષાની છાતી ‘ધક-ધક’ થવા લાગી. આજની રાતની ડાયરીમાં લખવા માટેનો પ્રથમ ફકરો ભજવાઇ ગયો: ‘હાય રામ! હું તો કેવી ગભરાઇ ગઇ! આજ સુધી મેં તો કોઇ અજાણ્યા છોકરા સાથે વાત જ નથી કરી. ખરો માણસ કે’વાય! ન કંઇ જાણ, પીછાણ અને સીધું જ ‘એક્સકયુઝ મી’ કરીને વાત શરૂ! એને મારા નામની ખબર કેવી રીતે...? એ બધું તો ઠીક છે, પણ છોકરો લાગ્યો હેન્ડસમ અને હોશિયાર પણ. જોને, કેવું બોલી ગયો?’
બરાબર આ મુજબ જ બની ગયું હતું. પેલા હેન્ડસમ યુવાને પાછળથી વાક્ય ફેંકર્યું એ સાંભળીને પ્રત્યુષાના ચરણ થંભી ગયા. રવાલ ચાલમાં ચાલી રહેલી અરબી ઘોડી ઊભી રહી ગઇ. આંખોમાં આછેરા ગુસ્સાની લાલ રેખા ખેંચાઇ ગઇ. એણે પૂછી લીધું, ‘યસ, તમે કોણ?’
‘હું પ્રેયસ.’ છોકરો હસ્યો. અઢાર વર્ષનો છોકરો પહેલીવાર કોઇ છોકરી સાથે વાત કરતી વેળા હસે તેવું રોમાંચ, ભય અને મૂંઝવણ મિશ્રિત સ્મિત કરી રહ્યો. ‘બોલો, શું કામ છે?’ પ્રત્યુષા એ વાતથી સભાન હતી કે એ ક્ષણે ત્યાંથી પસાર થતી અસંખ્ય આંખો એને જ વીંધી રહી હશે.
‘કામ તો કંઇ નથી, બસ, એક વાત કહેવી છે.’
‘કહો!’
‘હું જમનાદાસ પરીખનો દીકરો છું. તમારી આંખો પહોળી થઇ ગઇ ને! પપ્પાનું નામ સાંભળીને બધાંની આંખો આ જ રીતે પહોળી થઇ જાય છે. આ શહેરના સૌથી ધનાઢ્ય બિઝનેસમેનનો હું એકમાત્ર વારસદાર છું. મારો બંગલો સગવડોથી છલકાય છે, અમારી ઓફિસ આવકથી ફાટફાટ થાય છે અને તિજોરીઓ કાળાં નાણાંથી ઊભરાય છે. આજની ઘડી સુધી હું એવું માનતો રહ્યો હતો કે શહેરમાં સૌથી શ્રીમંત માણસ હું છું.’
‘એમાં ખોટું શું છે? તમે ખરેખર સૌથી શ્રીમંત છો જ.’
‘હા, જ્યાં સુધી તમને જોયાં ન હતાં ત્યાં સુધી હું શ્રીમંત હતો, પણ આજે પહેલીવાર તમને જોયાં અને મને લાગ્યું કે મારા જેવું દરિદ્ર તો બીજું કોઇ નહીં હોય.’
‘મતલબ?’
‘પ્રત્યુષા, તમે શું છો એની તમને જ ખબર નથી. તમારા વગર મારો બંગલો ઝૂંપડી જેવો લાગે છે, તમારા વિનાનો મારો દિવસ અમાસની રાત બની જાય છે, તમે ન હો તો સોના-ચાંદી ને રત્નોથી છલકાતી અમારી તિજોરીઓનાં ખાનાં કાચના ટુકડાઓ ભરેલી પેટીઓ જેવાં લાગવા માંડે છે. આપણાં શાસ્ત્રોમાં સ્ત્રીને લક્ષ્મી શા માટે કહી છે એ વાત મને આજે સમજાઇ રહી છે. એક તૂ હી ધનવાન જગમેં, બાકી સબ કંગાલ. પ્રત્યુષા, એક સવાલ પૂછું છું આજે. જવાબની ઉતાવળ નથી. વિચાર કરીને આપજો.
હું તમને પ્રેમ કરું છું. તમારી સાથે લગ્ન કરવા ચાહું છું. એક અબજોપતિ ભિખારી તમારી સામે હૈયાનું શકોરું ફેલાવીને ઊભો છે. તમારી પાસે પ્રેમની યાચના કરી રહ્યો છે. ના માંગે યે સોના ચાંદી, માંગે દરસન દેવી! મને તમારી જિંદગીનું દાન આપશો?’ એ રાત્રે પ્રત્યુષાએ ડાયરીનાં પાનાઓ ભરી દીધાં. અંતમાં લખ્યું, ‘કેવો જબરો નીકળ્યો પ્રેયસ?! પોતાને જે કહેવું હતું એટલું કહી નાખ્યું. મારો જવાબ સાંભળવાયે ન ઊભો રહ્યો. કંઇ વાંધો નહીં. હવે પછી જ્યારે મળશે ત્યારે મારો જવાબ આપી દઇશ.’
‘જ્યારે’ મળવાની ઘટનાને વળી વાર જ ક્યાં હતી? બીજે જ દિવસે પ્રેયસ પાછો એની આગળ હાજર થઇ ગયો. ઉઘરાણીવાળો એની લેણી રકમ માગવા માટે આવી ચડે તેમ પ્રેયસ પણ પોતાના સવાલનો જવાબ મેળવવા માટે હાજર હતો. લજજાળુ પ્રત્યુષા શબ્દોમાં તો જવાબ ન આપી શકી, પણ પાંચ વાર તેજ ગતિમાં પાંપણો પટપટાવીને જે કહેવું હતું તે કહી દીધું.
એ રાતની એની ડાયરીમાં આવી નોંધ હતી, ‘હું એક સંસ્કારી માતા-પિતાનું સંતાન છું. હું આજે પ્રેમમાં પડી એ વાતની જાણ મારે મમ્મી-પપ્પાને કરવી જ રહી, પણ મનમાં ડર લાગે છે કે જો પપ્પા ના પાડશે તો હું શું કરીશ! ભલેને ગમે તે થાય, પણ હું પ્રેયસનો સાથ ક્યારેય નહીં છોડું.’
થોડાક દિવસ જવા દીધા પછી પ્રત્યુષાએ હિંમત કરી નાખી. પપ્પાને મોઢામોઢ કહેવાની તો એનામાં હિંમત ન હતી, એટલે એક ચિઠ્ઠીમાં પ્રેયસના નામ સાથે બધી વિગત લખીને એણે કાગળ પપ્પાના હાથમાં મૂકી દીધો. પછી એ કોલેજ જવા માટે નીકળી પડી. સાંજે ઘરે આવી ત્યારે મમ્મી-પપ્પા એની વાટ જોઇને બેઠાં હતાં.
પપ્પાએ પ્રેમપૂર્વક એને સમજાવી, ‘બેટા, આમ તો આ શહેરમાં જમનાદાસ પરીખને કોણ નથી ઓળખતું? પણ મેં દિવસભર મહેનત કરીને ઊંડી તપાસ કરી તો જાણવા મળ્યું કે શેઠજીના ઘરમાં પૈસા તો મબલખ છે, પણ સંસ્કારોની કમી છે. આપણી ને એમની જ્ઞાતિઓ પણ અલગ છે. હું તારા ને પ્રેયસના સંબંધ માટે હા નથી પાડતો. એને ભૂલી જા, દીકરી!’
એ રાત અને એ પછીની ઘણી બધી રાતોએ પ્રત્યુષાની ડાયરીનાં પૃષ્ઠોમાં આવું બધું લખાતું રહ્યું: ‘પપ્પાએ ના પાડી દીધી, પણ પ્રેયસ મને સારો લાગે છે એનું શું? એ માત્ર દેખાવડો છે એટલું જ નહીં, એ વિવેકી, સંયમી અને પ્રેમાળ પણ કેટલો બધો છે! હું તો એની સાથે જ લગ્ન કરીશ.’ બીજા પાના ઉપર: ‘આજે પહેલીવાર એની સાથે ફિલ્મ જોવા ગઇ. ખૂબ ડર લાગતો હતો કે કોઇ ઓળખીતું મને જોઇ જશે તો શું થશે? અંધારામાંયે હું તો પ્રેયસને જ જોયા કરતી હતી.
મારો પ્રેયસ તો પડદા પરના હીરો કરતાંયે વધુ...’ ચાર-પાંચ દિવસ પછીની ડાયરી: ‘આજે ફરી પાછી પપ્પા આગળ જુઠ્ઠું બોલીને પ્રેયસની સાથે રખડવા નીકળી પડી. પપ્પાને છેતરતાં મને દુ:ખ તો બહુ થાય છે, પણ શું કરું?’ પંદર દિવસ પછીનું પાનું: ‘આજે ફરી પાછી પપ્પા-મમ્મી પાસે જુઠ્ઠું બોલી... પ્રેયસ મને હાઇ-વે પરની હોટલમાં લઇ ગયો... બંધ રૂમમાં બે કલાક એની સાથે... પછી હું રડી પડી, પણ પ્રેયસે મને એવું કહીને છાની રાખી કે- ‘ગાંડી! એમાં શું થઇ ગયું? આપણે લગ્ન તો કરવાનાં જ છીએ ને! પહેલાં કે પછી, બધું સરખું જ છે ને?’ મને એની વાત સાચી લાગી. પ્રેયસ કેટલો સારો છે?!’
પૂરા બે વર્ષ આમ ચાલતું રહ્યું. આખરે એક દિવસ ‘બહેનપણીને મળવા જાઉં છું’ એમ કહીને પ્રત્યુષા ભાગી ગઇ. રાત સુધી ઘરે પાછી ન આવી ત્યારે એનાં મમ્મી-પપ્પાને ખબર પડી કે કુંવરી પ્રેયસની જોડે પરણી ગયાં છે.
આજે એ વાતને પાંચ વર્ષ થઇ ગયાં છે. પ્રત્યુષા એક દીકરાની મમ્મી બની ચૂકી છે. ડાયરી લખવાની એની આદત હજુ પણ છુટી નથી. ફરક માત્ર એટલો પડ્યો છે કે રોજ રાતે લખાતું લખાણ હવે બદલાઇ ગયું છે. હવે પ્રત્યુષા લખે છે: ‘આ ઘરમાં સમૃદ્ધિ તો છે, પણ સુખ નથી કારણ કે અહીં વસતા માણસોમાં સંસ્કારિતા નથી. પ્રેયસ પાસે પાંચ ગાડીઓ છે, પણ રોજ એની ગાડીમાં અલગ-અલગ જાતનાં લેડીઝ પર્ફ્યૂમની ‘સ્મેલ’ આવે છે.
ક્યારેક એની હુંડાઇ વનૉમાંથી અજાણ્યો દુપટ્ટો મળી આવે છે, તો કદીક એની નિસ્સાન કારમાંથી હીરાજડિત હેયરપિન હાથ લાગી જાય છે. જો હું સવાલ પૂછું છું તો એનો જવાબ હોય છે-’ ‘હવે છાની-માની ઘરમાં પડી રહે ને! અમારા ખાનદાનમાં તો આવાં લફરાંની નવાઇ જ નથી. ધનવાન પુરુષો પાસે રૂપાળી સ્ત્રીઓ સામે ચાલીને આવતી હોય તો એને ના શા માટે પાડવી? તેં પણ પૈસા જોઇને જ મારી સાથે લગ્ન કર્યા છે ને!
નહીંતર તારાં મમ્મી-પપ્પા તો ના જ પાડતાં’તાં ને?’ કલમમાંથી ટપકતા અક્ષરો અને પ્રત્યુષાની આંખોમાંથી પડતાં અશ્રુઓની ભેળ-સેળ થઇ જાય છે અને ડાયરીના પાના પર એક ચીસ જેવો સવાલ ઊઠે છે: હે ભગવાન, મેં આ શું કરી નાખ્યું? આવા દૈત્ય જેવા પુરુષ માટે હું બે વર્ષ લગી મારાં પવિત્ર મા-બાપ આગળ જુઠ્ઠું બોલતી રહી? હું ઇચ્છું છું કે સંસારની કોઇ દીકરી આવી ભૂલ ન દોહરાવે.’‘

by Dr.Sharad.

 

8 responses to “સત્ય ઘટનાના આધારે

  1. j@L

    October 22, 2011 at 1:19 pm

    bhot khub++++

     
  2. mayur

    October 23, 2011 at 9:07 am

    wah bhai i like …!

     
  3. pratik sheth

    October 23, 2011 at 6:34 pm

    its to gud……………..

     
  4. ayaz

    October 24, 2011 at 11:58 am

    nice story
    aa bathi vaat 6okari yo ni samjvi joy ye.

     
  5. Bhavesh Dixit

    October 29, 2011 at 6:39 am

    nice story ………. i like it…

     

Leave a comment